સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય આકર્ષણ : statue of unity

કેવેડિયા કોલોની ખાતે ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમાને જોવા દરરોજ લોકો પહોંચી રહ્યા છે : આસપાસ વિવિધ કારોબાર શરૂ થઇ ચુક્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા પ્રવાસીઓમાં દિન પ્રતિદિન વધી રહી છે. ગુજરાતની સાથે સાથે બીજા રાજ્યોના તમામ લોકો આ વિરાટ પ્રતિમાને જોવા માટે ઉત્સુક બન્યા છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો હાલમાં પહોંચી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ગુજરાતની એક ઓળખ સમાન છે. તેનો સામાન્ય લોકો માટે ખુલ્લી મુકી દેવામાં આવ્યા બાદ તેનુ આકર્ષણ સતત વધી રહ્યુ છે. આસપાસના વિસ્તારોમાં પણ નાના મોટા કારોબાર શરૂ થઇ ગયા છે. રોડ રસ્તા વ્યવસ્થિત બની ગયા છે. રેલવે અને વિમાની સેવા સાથે આ કેન્દ્રને જોડી દેવા માટેના પ્રયાસો પણ શરૂ થઇ ચુક્યા છે. આવનાર દિવસોમાં તે દેશના પ્રવાસીઓમાં સૌથી લોકપ્રિયતા મેળવે તેવી શક્યતા છે. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સરદાર પટેલની ૧૪૩મી જન્મજ્યંતિના પ્રસંગે તેમની વિરાટ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ વિરાટ પ્રતિમાનુ અનાવરણ કર્યુ હતુ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ પ્રસંગે આ ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લામાં કેવડિયાની નજીક સાધુબેટ નજીક વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું ૩૧મી ઓક્ટોબરના દિવસે ૧૦.૩૦ વાગે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલની જ્યંતિના અવસર પર ઐતિહાસિક યાદ તાજી થઇ હતી. આની સાથે સાથે સરદાર સરોવર બંધ હવે દુનિયાના નક્શા ઉપર પ્રવાસીઓ માટે લોકપ્રિય થઇ ગયું હતુ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે મોદીએ વેલી ઓફ ફ્લાવર, વોલ ઓફ યુનિટી, એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન, સરદાર મ્યુઝિયમ અને અન્ય કાર્યક્રમોનું નિરીક્ષણ કરીને લોકાર્પણ કર્યા હતા. વડાપ્રધાન સહિત શ્રેણીબદ્ધ વીઆઈપી લોકો કાર્યક્રમવેળા ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિમાને લોકો માટે ખુલી મુકવામાં આવી ત્યારે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સુર્યકિરણ અને જગુઆર વિમાન મારફતે પ્રતિમાને સલામી આપવામાં આવી હતી. એ વખતે તમામ ભારતીયો ગૌરવની ભાવનાથી ભરાઈ ગયા હતા. સૂર્યકિરણ વિમાને આસમાનમાં તિરંગાની રચના કરી હતી. ત્રણેય હેલિકોપ્ટરથી પ્રતિમા પર ફુલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પોલીસ બેન્ડ દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરુપે ૩૦ નદીઓમાંથી જળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે લાવવામાં આવ્યા બાદ મંત્રોચ્ચારની સાથે સરદાર પટેલની પ્રતિમા ઉપર જળાભિષેકની વિધિ યોજવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત માટે જ નહીં બલ્કે વિશ્વ માટે એક દાખલા સમાન બની ગઇ હતી. આની અનેક વિશેષતા રહેલી છે જેના ભાગરુપે પ્રચંડ ભૂકંપની સ્થિતિમાં પણ સરદાર સાહેબની પ્રતિમા અકબંધ રહેશે. આ પ્રતિમા પ્રચંડ વાવાઝોડું આવશે તો પણ અકબંધ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૫૭૦૦ મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૨૫૦૦ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માત્ર ૪૨ મહિનાના રેકોર્ડ ગાળામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જે તમામ દેશોના એન્જિનિયરો માટે પણ એક દાખલા સમાન છે. સરદાર સરોવર બંધથી ૩.૫ કિમીના અંતરે તે સ્થિત છે. આના કારણે ૧૫૦૦૦ લોકોને પ્રત્યક્ષરીતે નોકરી મળશે. મુખ્ય શિલ્પકાર તરીકે આમા રામ સુથારની ભૂમિકા રહી છે. કેવડિયા કોલોનીની આસપાસ રહેતા લોકો માટે કારોબાર કરવાની પ્રક્રિયા સરળ બની રહી છે. અહીં તમામ પ્રકારના કારોબાર હવે થશે. પ્રવાસને તો જોરદાર વેગ મળ્યો છે. હોટેલ અને રેસ્ટોરન્ટ પણ બની રહ્યા છે.
Comments
Post a Comment