ગુજરાતનો ફૂટબોલ સ્ટાર અસદ કાકુજી


ક્રિકેટના દીવાના ભારત દેશના મોટાભાગના લોકો આ વાત જાણતા નહીં હોય કે ભારત ક્યારેક ફૂટબોલની મહાશક્તિ હતું. વર્ષ ૧૯પ૦માં ભારતે બ્રાઝિલમાં રમાયેલ ફૂટબોલ વિશ્વકપ માટે ક્વોલિફાઈ તો કર્યું પણ એવું કહેવાય છે કે ઉઘાડા પગે રમવાની ટેવના કારણે રમવાની ના પાડી દીધી. ભારતીય ટીમે ૧૯પ૧ અને ૧૯૬રમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૧૯પ૬માં મેલબોર્ન ઓલિમ્પિકમાં ભારતીય ફૂટબોલ ટીમ સેમીફાઈનલમાં પહોંચી  અને કાંસ્યચંદ્રક માટેની મેચ હારીને ચોથા સ્થાને રહી હતી. એશિયન ફૂટબોલ ચેમ્પિયનશીપમાં તેનો ડંકો વાગતો હતો. ભારતીય ટીમને બ્રાઝિલ ઓફ એશિયાનું બિરૂદ મળ્યું હતું. પીકે બેનરજી, ચુન્ની ગોસ્વામી, તુલસીદાસ, બલરામ અને જરનેલસિંહની ગણતરી વિશ્વના ટોચના ફૂટબોલરોમાં થતી હતી. ૧૯૭૦ બાદથી ભારતીય ફૂટબોલની પડતી શરૂ થઈ.
ભારતે ૧૯૭૦માં અંતિમવાર એશિયન ગેમ્સમાં કાંસ્યચંદ્રક જીત્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ ક્યારેય મેડલની સ્પર્ધામાં રહી નહીં. ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં ભારતીય ફૂટબોલની હાલત ખૂબ જ ખરાબ રહી. ૮૦ના દાયકામાં ભારતીય ટીમે થોડું સારૂં પ્રદર્શન કરતાં ૧૯૮૪માં ઢાકા અને ૧૯૮૭માં કોલકાતામાં રમાયેલ સૈફ રમતોમાં સુવર્ણચંદ્રક જીત્યો ત્યારબાદ ઘણા વર્ષો સુધી ભારતને સફળતા મળી નહીં. ૧૯૯૩માં લાહોરમાં આયોજિત પ્રથમ સાર્ક કપ જીત્યો. બે વર્ષ બાદ કોલંબોમાં યોજાયેલી સાર્ક રમતોમાં ભારત બીજા સ્થાને રહ્યું.  ૧૯૯૭માં સાર્ક કપનું નામ બદલીને સૈફ કપ થયા બાદ ભારતે ૧૯૯૭ અને ૧૯૯૯માં સતત બે વાર જીત્યો. આ ઉપરાંત ર૦૦પ, ર૦૦૯ અને ર૦૧૧માં પણ ભારતીય ટીમે સૈફ કપ જીત્યો પણ મોટી ટુર્નામેન્ટોમાં હંમેશા નબળી સાબિત થઈ. ફૂટબોલમાં ભારતના નિરાશાજનક દેખાવના ઘણા બધા કારણો છે. પણ મુખ્ય કારણ ક્રિકેટ છે. ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના પહેલીવાર ચેમ્પિયન બન્યા બાદ દેશમાં ક્રિકેટ ફીવર છવાઈ ગયો. યુવાઓ ક્રિકેટ તરફ આકર્ષિત થયા અને ફૂટબોલ સહિતની અન્ય રમતોની અવગણના થવા લાગી. દરેક માતા-પિતા પોતાના પુત્રને સચિન તેન્ડુલકર બનાવવા માંગે છે, જે શક્ય નથી. ફૂટબોલ, ટેનિસ, કુસ્તી, બેડમિંટન, એથ્લેટિક્સ જેવી ઘણી રમતો છે જેમાં તક હોવા છતાં ક્રિકેટ પાછળ સમય બગાડવાથી યુવા ધન વેડફાઈ રહ્યું છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં ફૂટબોલનો ક્રેઝ વધ્યો છે. હવે ભારતમાં અનેક યુવા ખેલાડીઓ છે જે ક્રિકેટ નહીં ફૂટબોલની પસંદગી કરી રહ્યા છે. ભારતમાં અન્ડર-૧૭ વિશ્વકપ ટુર્નામેન્ટનું આયોજન થવાથી દેશમાં તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. ભારતે આઠ વર્ષ બાદ એએફસી એશિયા કપ ર૦૧૯ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. ગત વર્ષમાં જુલાઈમાં ભારતીય ટીમ ફીફા રેન્કિંગમાં બે વર્ષ પહેલાં ૧૭૩માં સ્થાનથી સર્વશ્રેષ્ઠ ૯૬મા સ્થાને પહોંચી ગઈ હતી. અને હાલ ભારતીય ટીમ ૧૦૨માં સ્થાને છે.પહેલાં ભારતના પ.બંગાળ, ગોવા અને મહારાષ્ટ્રના પૂણે જેવી અમુક જગ્યાએ જ ફૂટબોલનો ક્રેઝ હતો અને ત્યાં ટુર્નામેન્ટ રમાતી હતી, પણ હવે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફૂટબોલ ફીવર જોવા મળે છે. હાલ ગુજરાતના યુવા ખેલાડીઓ પણ ફૂટબોલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ખેલાડીઓમાં અસદ કાકુજી, સત્યજીત, ડેરીક કેલસે, આર્જવ દેસાઈ, રૂદ્ર અમીન, સંકલ્પ અને જાકીન પટેલનો સમાવેશ થાય છે. તેમનામાં નેશનલ લેવલે ચમકવાની ક્ષમતા છે. હાલ અસદ કાકુજી સતત સારૂં પ્રદર્શન કરી બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહ્યો છે. સ્ટ્રાઈકર અસદ કાકુજીમાં ગોલ કરવાની ગજબની ક્ષમતા છે. ફૂટબોલ અસદ માટે ઝનૂન છે. પ્રખ્યાત કોચ નિમેષ રાઠોડના માર્ગદર્શનમાં તે સખત મહેનત કરી રહ્યો છે. ફૂટબોલમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરવાનું અસદનું સ્વપ્ન છે.  અસદ કાકુજીની ર૦૧૩માં સુરત ખાતે યોજાયેલી સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ સુબ્રતો મુખરજી કપ માટે જુનિયર ખેલાડી તરીકે ડીપીએસ કલાલી ટીમ માટે પસંદગી થઈ હતી.  અસદ અને ટીમના શાનદાર પ્રદર્શનથી ડીપીએસ કલાલી રનર્સઅપ બન્યું હતું. અસદના ટેલેન્ટને ઓળખી ગયેલા કોચ નિમેષ રાઠોડે તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. અસદ ર૦૧૩થી ડીપીએસ કલાલીનો હિસ્સો રહ્યો છે. અમદાવાદ અને વડોદરા ખાતે યોજાયેલ ટુર્નામેન્ટ ખેલ ઉત્સવ કપ, સીબીએસઈ કલ્સ્ટર કપ સહિત અનેક મોટી ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યું છે. ફૂટબોલ માટેનું ઝનૂન અને કોમ નિમેષના અથાગ પરિશ્રમથી અસદે ભોપાલ અને ઉદેપુરમાં ચાર ગોલ ફટકારી બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. સ્ટ્રાઈકર અસદે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા કપમાં પાંચ ગોલ કરી ત્રણ વખતના ચેમ્પિયન ભવન્સ બરોડાને હરાવી ડીપીએસ કલાલીને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
ફૂટબોલમાં ગુમાવેલું વર્ચસ્વ ફરી પ્રાપ્ત કરવા અન્ડર-૧૭ વિશ્વકપ દરમ્યાન જે ફૂટબોલ ફીવર જોવા મળ્યો છે. તેને જાળવી રાખવો પડશે. રાષ્ટ્રીય ટીમોએ પોતાનું સારૂં પ્રદર્શન જાળવી રાખવું અને પાયાગત માળખામાં આવેલા ફેરફારને જાળવી રાખવાની જરૂર છે ત્યારે જ ભારતમાં ફૂટબોલની તસવીર બદલાઈ શકશે. જાણકારોનું માનવું છે કે ફૂટબોલમાં સફળતા માટે ભારતે ચીન મોડલ અપનાવવું જોઈએ. ચીને જે રીતે ફૂટબોલનું ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કર્યું છે અને આ રમતમાં ઘણું રોકાણ પણ કર્યું છે. તેનું રિઝલ્ટ ધીરે ધીરે સામે આવી રહ્યું છે. ફીફા અધ્યક્ષ સેપ બ્લાટરે એકવાર ભારતને ફૂટબોલની નિંદ્રાધીન મહાશક્તિ ગણાવી હતી. ભારતના કોચ રહી ચૂકેલા બોબ હોટનનું કહેવું હતું કે ફૂટબોલની રમત માટે ભારતમાં કોઈને ચિંતા નથી. તેમના અનુસાર આ સૂતેલી મહાશક્તિને જગાડવામાં ઘણો સમય લાગશે. તો આ ગાઢ નિંદ્રામાંથી જાગવાની જવાબદારી સરકાર, ખેલ મંત્રાલય સહિત આપણા બધાની છે.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે