જુહાપુરાની દસ વર્ષની અલીસા ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં જ શોધી કઢાઈ : Juhapura
ગુલઝાર પાર્ક ગેટ નં.૩ પાસેથી ગુમ થયેલી અલીસા શેખ ગણતરીના કલાકોમાં મળી આવતા પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઈ હતી. આ કિશોરીને ટૂંક સમયમાં જ શોધી કાઢવામાં ભારે મહેનત કરનાર વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ. એ.વી. પટેલનું કિશોરીના પરિવારજનો અને સ્થાનિક લોકોએ બહુમાન કર્યું હતું.


જુહાપુરા અંબર ટાવર સામે આવેલ ગુલઝાર પાર્ક-ગેટ નં.૩માં આવેલ ઝાકીર પાર્કમાં રહેતી અલીસા મોહમ્મદયાસીન શેખ નામની ૧૦ વર્ષની કિશોરી ટયુશન કલાસીસમાં જવા નિકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ ભારે શોધખોળ કર્યા બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આથી સિનિયર પી.આઈ. એ.વી. પટેલે મહિલા પોલીસ સહિતની ટીમોને કામે લગાડી ગણતરીના કલાકોમાં કિશોરીને હેમખેમ તેના માતા-પિતાને સોંપી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઝાકીર પાર્ક સોસાયટીમાં વિ.રરમાં રહેતા મોહમ્મદયાસીન અબ્દુલ રહેમાન શેખની ૧૦ વર્ષની પુત્રી અલીસા સવારે ૧૦ઃ૧પ કલાકે સોસાયટીમાં જ આવેલ ટયુશન કલાસીસમાં ગઈ હતી. જયાંથી ૧૧-૧પ કલાકે ટયુશનથી પરત નીકળી હતી. પરંતુ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ ટયુશન કલાસ સોસાયટી તથા આસપાસના સમગ્ર વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતા અલીસા મળી ન આવતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ. એ.વી. પટેલે બનાવની ગંભીરતા સમજી સેકન્ડ પી.આઈ. એ.યુ. ટાપરિયા, સર્વેલન્સ સ્કવોર્ડના પ્રો. પી.એસ.આઈ. એ.ડી. દેસાઈ પીએસઆઈ જી.જે. ચાવડા, પીએસઆઈ પી.એન. ખોખર તથા સર્વેલન્સ સ્કવોર્ડનો સ્ટાફ અને મહિલા પોલીસ સહિતના કાફલાને તુરત જ કામે લગાડી દીધા હતા.
આ તમામ સ્ટાફે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠેર-ઠેર પોઈન્ટ ગોઠવી નાકાબંધી કરી પેટ્રોલિંગ ચાલુ કરી દીધું હતું અને ગણતરીના કલાકોમાં બાળકીને શોધી હેમખેમ તેના માતા-પિતાને સોંપી દીધી હતી. આમ વેજલપુર પોલીસની ઝડપી કામગીરીની કિશોરીના પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ સરાહના કરી સિનિયર પી.આઈ. એ.વી. પટેલનું બહુમાન કર્યું હતું અને આભાર વ્યકત કર્યો હતો.
Comments
Post a Comment