ઐતિહાસિક ટેસ્ટ વિજય - Historical Test Victory
વિદેશની ધરતી ઉપર ડંકો વગાડી દેવાની ક્ષમતા ટીમમાં છે તે બાબત પુરવાર થઇ

વિદેશમાં ટેસ્ટ શ્રેણી જીતી જવાની ક્ષમતા પણ ભારતીય ટીમમાં રહેલી છે તે બાબત હવે સાબિત થઇ ગઇ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતીને આ બાબત સાબિત કરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૭૨ વર્ષથી ક્રિકેટ સંબંધો રહ્યા છે પરંતુ જીત પહેલી વખત ટેસ્ટ શ્રેણીમાં મળી છે. જે દેશના લોકો માટે ગર્વની વાત છે. ભારતે એડિલેડ ટેસ્ટ મેચ ૩૧ રને જીતી હતી. ત્યારબાદ પર્થમાં બીજી ટેસ્ટમાં ભારતની ૧૪૬ રને હાર થઇ હતી. મેલબોર્નમાં ફરી જીત મેળવીને શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી હતી. આટેસ્ટ મેચ ભારતે ૧૩૭ રને જીતી લીધી હતી.
સિડની ટેસ્ટ ખરાબ હવામાન અને વરસાદના કારણે ડ્રો રહી હતી. ભારતે ૭૨ વર્ષના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. સમગ્ર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં શાનદાર દેખાવ કરવા બદલ ચેતેશ્વર પુજારાની મેન ઓફ ધ મેચ અને સિરિઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તે સમગ્ર શ્રેણીમાં છવાયેલો રહ્યો હતો. ભારતીય ટીમ તરફથી દરેક મેચમાં તેનો જોરદાર દેખાવ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની જમીન પર શ્રેણી જીતનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો હતો. સિડની ટેસ્ટમાં પણ જો વરસાદ અને ખરાબ હવામાનની સ્થિતી ન રહી હોત તો ભારતે વધારે અંતર સાથે આ શ્રેણી જીતી હોત.
સિડનીમાં ભારતે પહેલા જંગી જુમલો ખડકીને ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકી દેવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને સસ્તામાં આઉટ કરીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન રમત વરસાદના કારણે મોટા ભાગે બગડી હતી. જેથી સિડનીમાં ટેસ્ટ મેચ જીતવાથી ભારત વંચિત રહી ગયુ હતુ. ઇંગ્લેન્ડની સામે નોટિંગ્હામમાં ૨૦૦૫ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમમાં ફોલોઓનની ફરજ પડી છે. આ પહેલા સતત વરસાદ અને ખરાબ હવામાનના લીધે રમત બગડી હતી. પોતાની જમીન ઉપર ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૯૮૮ બાદ પ્રથમ વખત ફોલોઓનનો સામનો કરી રહી છે. તે વખતે પણ ઓસ્ટ્રેિલિયાની ટીમને ઇંગ્લન્ડની સામે સિડનીમાં ફોલોઓનનો સામનો કરવો પડ્યો હતો.
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ એક પછી એક સફળતા ક્રિકેટમાં હાંસલ કરી રહી છે. ટેસ્ટ મેચની સાથે સાથે વનડે મેચો અને ટ્વન્ટી ક્રિકેટમાં પણ ભારતીય ટીમ જોરદાર દેખાવ છેલ્લા કેટલાક સમયથી કરી રહી છે. આ સિલસિલો હવે વિદેશમાં પણ જારી રહ્યોછે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં અપેક્ષા કરતા નબળો દેખાવ કર્યાબાદ તમામ લોકો માની રહ્યા હતા કે કે પ્રોફેશનલ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સામે ભારતીય ટીમ ફ્લોપ રહેશે પરંતુ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે તમામ ક્રિકેટ ચાહકો અને પંડિતોની ગણતરી ઉઘી વાળીને જોરદાર દેખાવ કર્યો હતો. અલબત્ત ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેના મુખ્ય બે આધારસ્તંભ સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર ન હતા. છતાં શ્રેણી જીત ભારતની ઐતિહાસિક સિદ્ધી છે.
Comments
Post a Comment