અંતિમ બોલે સિક્સર ફટકારી પોતાની ટીમને વિજય અપાવનારા બેટ્સમેન

ત્રિકોણીય ટી-ર૦ સિરીઝ નિદાહાસ ટ્રોફીની ખૂબ જ રોમાંચક ફાઈનલમાં દિનેશ કાર્તિકે અંતિમ બોલે સિક્સર ફટકારી ભારતને બાંગ્લાદેશ વિરૂદ્ધ ચાર વિકેટે વિજય અપાવ્યો. ઈનિંગના અંતિમ બોલે ભારતને વિજય માટે પાંચ રનની જરૂર હતી અને દિનેશ કાર્તિક (અણનમ ર૯ રન, ૮ બોલમાં બે ચોગ્ગા ત્રણ સિક્સર) સૌમ્ય સરકારને સિક્સર ફટકારી મેચ સમાપ્ત કરી. દિનેશ કાર્તિક સિવાય પણ અનેક એવા બેટસમેન છે. જેમણે અંતિમ બોલે સિક્સર ફટકારી પોતાની ટીમને વિજય અપાવ્યો છે. તેમના નામ આ પ્રકારે છે.
ઓસ્ટ્રેશિયા કપની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૮ એપ્રિલ ૧૯૮૬ના રોજ રમાઈ હતી. મેચના અંતિમ બોલે પાકિસ્તાનને વિજય માટે ચાર રનની જરૂર હતી અને તેની ફકત એક વિકેટ બાકી હતી. શારજાહમાંં રખાયેલી આ મેચમાં જાવેદ મિયાંદાદે ચેતન ચૌહાણને સિક્સર ફટકારી પાકિસ્તાનને વિજય અપાવ્યો હતો જ્યારે પણ ભારત-પાકિસ્તાન ક્રિકેટની વાત થાય છે. આ મેચને યાદ કરવામાં આવે છે. રર ડિસેમ્બર ર૦૧રના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-ર૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઈયાન મોર્ગને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. ઈંગ્લેન્ડને અંતિમ બોલે ત્રણ રનની જરૂર હતી. અશોક ડિંડાની બોલિંગમાં મોર્ગને સિક્સર ફટકારી પોતાની ટીમને વિજય અપાવ્યો. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૧૭૭ રનનો સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડે ચાર વિકેટે ૧૮૧ રન બનાવી મેચ જીતી લીધી હતી.
ર૦૧૩માં ન્યુઝીલેન્ડના નાથન મેકુલમે રંગના હેરાથના અંતિમ બોલે સિક્સર ફટકારી ન્યુઝીલેન્ડને વિજય અપાવ્યો હતો. જો કે કીવી ટીમને અંતિમ બોલે ફકત એક રનની જરૂર હતી. મેકુલમે આ મેચમાં નવ બોલમાં ૩ર રન ફટકાર્યા હતા. ર૬ માર્ચ ૧૯૯૯ના રોજ ન્યુઝીલેન્ડ અને દ.આફ્રિકા વચ્ચે વન-ડે મેચ નેપિયરમાં રમાળ હતી. આ મેચમાં અંતિમ ઓવરમાં દ.આફ્રિકાને ૧૧ રનની જરૂર હતી. પ્રથમ પાંચ બોલમાં ક્લુઝનર અને બાઉચરે મુશ્કેલીથી પાંચ રન બનાવ્યા હતા. જ્યારે અંતિમ બોલે ૬ રનની જરૂર હતી. ક્લુઝનરે અંતિમ બોલે ડિઓન નેશને સિક્સર ફટકારી દ.આફ્રિકાને વિજય અપાવ્યો હતો.
ર૦૦૬માં હરારે સ્પોર્ટસ કલબમાં ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે એક જ વન-ડે મેચ રમાઈ હતી. મેચમાં જીતવા માટે ઝિમ્બાબ્વેને ત્રણ બોલમાં ૧૬ રનની જરૂર હતી. ઓવર મુર્તઝા ફેંકી રહ્યો હતો. ચોથા બોલે ટેલરે ચોગ્ગા ફટકાર્યો. પાંચમાં બોલે ટેલરે સિક્સર ફટકારી. હવે અંતિમ બોલે ૬ રનની જરૂર હતી. મેચના હીરો બ્રેડન ટેલરે અંતિમ બોલે સિક્સર ફટકારી ઝિમ્બાબ્વેને વિજય અપાવ્યો. વેસ્ટઈન્ડિઝનો શિવનારાયણ ચંદ્રપોલ પણ આ કમાલ કરી ચૂક્યો છે. તેણે ર૦૦૮માં શ્રીલંકા વિરૂદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં આ કમાલ કરી હતી. મેચના અંતિમ બોલે વેસ્ટઈન્ડિઝને વિજય માટે ૬ રનની જરૂર હતી. ચંદ્રપોલે ચામીંડા વાસને સિક્સર ફટકારી વિન્ડીઝને વિજયી બનાવ્યું.
Comments
Post a Comment