કરીયર હવે માત્ર ડિગ્રી પર આધારિત નથી




-રાજેશ શર્મા
થોડા સમય પહેલાં રણબીર કપૂર અને દીપિકા પદુકોણેની ફિલ્મ તમાશાઆવી હતી. એ.આર.રહેમાનના અદ્‌ભુત સંગીત અને તેમાં પણ હીર તો બડી સેડ હૈગીતના કારણે લોકોને આ ફિલ્મ ગમી ગયેલી પણ તમાશામાં ગમવા જેવી એક બીજી પણ વાત હતી. આ વાત હતી, ફિલ્મમાં કોઇ પણ પ્રકારના ઉપદેશ વિના સમજાવાતું જીવનનું એક નક્કર સત્ય.

શું છે આ સત્ય ?
આ સત્યની વાત કરીએ એ પહેલાં તમાશાના રણબીરની વાત કરી લઇએ.
તમાશાફિલ્મમાં રણબીર કપૂર એવા યુવકની ભૂમિકામાં છે કે જેને પોતાને રસ ના પડતો હોય એવો વિષય પિતાના આગ્રહના કારણે એને લેવો પડે છે. તેને પોતાને સ્ટોરી ટેલિંગ એટલે કે વાર્તા કહેવામાં મજા આવે છે પણ પિતા સામે બોલી શકતો નથી તેથી એન્જિનિયરિંગનું ભણે છે ને પછી પોતાને રસ નથી તેવી પ્રોડક્ટ મેનેજરની નોકરી કરે છે. આ કારણે તેની જિંદગી બેકાર બની જાય છે અને બધો રસ ગુમાવીને એકદમ મિકેનિકલ જિંદગી જીવવા માંડે છે. એક સમયે જિંદગીની ભરપૂર મજા માણતો છોકરો બોરિંગ માણસ બનીને રહી જાય છે. તમાશાફિલ્મ હતી એટલે હીરોઇન દીપિકા પદુકોણે રણબીરની જિંદગીમાં આવે છે ને તેને બોરિંગ લાઇફમાંથી બહાર કાઢીને તેને ગમતા કામમાં જોતરી દે છે પણ એ ફિલ્મ હતી તેથી તેમાં એવું થાય, વાસ્તવિક જીવનમાં એવું બનતું નથી.
તમાશાના રણબીર કપૂરની સ્ટોરી ખરેખર તો આપણે ત્યાં મોટા ભાગના યુવક-યુવતીઓની સ્ટોરી છે. આપણે ત્યાં મોટા ભાગના યુવક-યુવતીઓને પોતે કઇ સ્ટ્રીમમાં જવું છે કે પછી શું ભણવું છે કે કેવી કારકિર્દી પસંદ કરવાનો કે નક્કી કરવાનો અધિકાર નથી હોતો. તેમના બદલે માતાપિતા નક્કી કરે એ સ્ટ્રીમમાં તેમણે જવું પડે છે. બલ્કે તેમને પરાણે ધકેલી દેવાય છે. હોશિયાર વિદ્યાર્થી હોય તો ગમે તે સ્ટ્રીમમાં સારા માર્ક્સ લાવીને કરીયર બનાવી લે પણ એ કરીયરમાં તેને બહુ મજા નથી પડતી. પછી જિંદગીભર તેને એવો વસવસો રહ્યા કરે છે કે આ રસ વિનાનું કામ કરવાના બદલે આપણને ગમતી સ્ટ્રીમ પસંદ કરી હોત તો સારું હતું.
તમાશાફિલ્મમાં તમે ગમતા ના હોય તેવા કામમાં જાઓ તો શું થાય ને કેવી અવદશા થાય તે સરળ રીતે બતાવાયું હતું. સાથે સાથે બીજી પણ એક વાત સમજાવાઇ હતી. આ વાત જ જીવનનું નક્કર સત્ય છે.
શું છે આ સત્ય ?
એ જ કે, તમે તમારું ગમતું કામ કર્યા વિના પણ કરીયર બનાવી શકો ને તેના માટે કોઇ ડિગ્રીની જરૂર નથી. તમાશાફિલ્મમાં રણબીર છેલ્લે સ્ટોરી ટેલર તરીકે કામ કરતો બતાવાયો છે ને આ કામ માટે કોઇ ડિગ્રીની જરૂર નથી હોતી.
અત્યારે જમાનો બદલાયો છે ને સાથે સાથે કરીયરના કન્સેપ્ટ પણ બદલાયા છે ત્યારે આ વાત બહુ મહત્ત્વની છે. અત્યારે ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો છે તેના કારણે કારકિર્દીના વિકલ્પો પણ વધ્યા છે. પહેલાં જોબ કરવા માટે તમારે ઓફિસે જવું ફરજિયાત હતું ને સાથે સાથે તમારી પાસે ફોર્મલ ડિગ્રી જરૂરી હતી પણ હવે એવું રહ્યું નથી. હવે ઓફિસે જવાની જરૂર નથી એ રીતે કરીયર બનાવવા માટે ડિગ્રીની પણ જરૂર નથી. તમારી પાસે ડિગ્રી હોય તો તેમાં કશું ખોટું નથી પણ ડિગ્રી હશે તો જ કરીયર બનશે એ કન્સેપ્ટ હવે રહ્યો નથી.
દુનિયામાં ઘણા બધા એવા સફળ લોકો આવ્યા કે જેમની પાસે કોઇપણ પ્રકારની ફોર્મલ ડિગ્રી નહોતી છતા તેમણે બહુ મોટા સામ્રાજ્ય ખડા કર્યાં. અત્યારે દુનિયામાં જે લોકો સૌથી સફળ મનાય છે તેવા મોટા ભાગના લોકો એવા છે કે જેમની પાસે ફોર્મલ ડિગ્રી જ નહોતી છતાં તેમણે એવી કરીયર બનાવી કે કોઇને પણ ઇર્ષા થાય. નવી પેઢીને તેમને અનુસરવાનું મન થાય.
એપલનું સામ્રાજ્ય ખડું કરનારા સ્ટીવ જોબ્સ પાસે કોઇ ડિગ્રી નહોતી. સ્ટીબ જોબ્સ કોલેજ ડ્રોપઆઉટ હતા ને છતા તેમણે કેવડું મોટું સામ્રાજ્ય ખડું કર્યું તે આપણે જોઇએ છીએ. માઇક્રોસોફ્ટના ચેરમેન બિલ ગેટ્‌સ પણ ફોર્મલ ડિગ્રી વિના જ આટલું મોટું સમ્રાજ્ય ખડું કરી ગયા. અત્યારે ફેસબુક ને વોટ્‌સએપ બધે છવાયેલાં છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ છે. ઝુકરબર્ગે પણ કોઇ ડિગ્રી નથી લીધી ને છતાં તેમણે આખી દુનિયા જેના પર વારી ગઇ  છે તેવું સામ્રાજ્ય ઊભું કર્યું.
આ સિવાય બીજા પણ ઘણાં નામો આ યાદીમાં ગણાવી શકાય પણ પછી મૂળ વાત બાજુ પર રહી જશે તેથી આ યાદી હવે અહીં ટૂંકાવીએ. આ વાંચનારા વિદ્યાર્થીઓને થશે કે, સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્‌સ જેવા લોકો ડિગ્રી વિના સફળ થયા એ સાચું પણ એવા લોકોની સંખ્યા કેટલી ? બહુ ઓછા લોકો એવા હોય કે જે આ રીતની સફળતા મેળવી શકે. બીજું એ કે સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્‌સ, માર્ક ઝુકરબર્ગ વગેરે ભલે ફોર્મલ ડિગ્રી ના મેળવી શક્યા પણ એ લોકો જિનિયસ તો હતા જ તેથી તેમને સફળતા મળી. બીજી તરફ બધા વિદ્યાર્થીઓ કંઇ જોબ્સ, ગેટ્‌સ કે ઝુકરબર્ગ જેવા જિનિયસ ના હોય. નવ્વાણું ટકા વિદ્યાર્થી તો એવરેજ હોય. ઘણામાં સાહસ કરવાની ક્ષમતા ના હોય તો ઘણાના સંજોગો એવા ના હોય.

આ સંજોગોમાં સામાન્ય વિદ્યાર્થીને ડિગ્રી વિના ચાલે ખરૂ ?
આ સવાલ એકદમ સાચો છે અને તેનો જનાબ પણ એ જ છે કે અસામાન્ય પ્રતિભા ના ધરાવતો હોય તેવો સામાન્ય વિદ્યાર્થી પણ ડિગ્રી હોય તો જ કરીયર બનાવી શકે તે વાત ખોટી છે. ફોર્મલ ડિગ્રી વિના પણ તે એવાં કામ કરી શકે કે જેમાં બહુ કૌશલ્યની પણ જરૂર નથી અને ડિગ્રીની પણ જરૂર નથી.

કોઇને આ વાત કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી લાગશે પણ આ હકીકત છે. તમારી પાસે કોઇ ડિગ્રી ના હોય પણ પર્સનલ કોમ્પ્યૂટર કે લેપટોપ હોય તો તમે ઘેરબેઠાં પણ કામ કરી શકો તે પ્રકારની કરીયર હવે શક્ય છે. ઘેર બેઠાં કામ કરવાથી દર મહિને ચોક્કસ પગાર મળે એવી જોબ્સ ઉપરાંત હવે એવાં કામ પણ મળે છે કે જેમાંથી તમે પગાર કરતાં વધારે સારી કમાણી કરી શકો અને સાથે તમારા સમયે કામ કરવાની આઝાદી પણ મેળવી શકો. અહીં એવાં જ કામની માહિતી આપી છે કે જે તમે ઘેરબેઠાં કરી શકો.

આ બધાં કામ એવાં છે કે જેમાં તમારે ખાસ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી પડતી. અત્યારે દુનિયામાં લાખો લોકો આ કામ કરીને નિરાંતની જિંદગી જીવે છે. ભારતમાં પણ એવા લોકોની સંખ્યા વધતી જાય છે. જોબ સિક્યોરિટીની ચિંતા છોડીને લોકો આ કામો તરફ વળી રહ્યાં છે અને પોતાની જિંદગીને બહેતર બનાવી રહ્યાં છે. ઘણાં લોકો આ કામ ફુલ ટાઇમ કરે છે તો ઘણાં લોકો પાર્ટ ટાઇમ કરે છે. નોકરી પૂરી કર્યા પછી ઘરે આવીને બે-ત્રણ કલાક માટે આ કામ કરીને એ લોકો પગાર જેટલી જ એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરી લે છે. આ કામમાં ફાવટ આવી જાય પછી નોકરીની ગુલામી છોડનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. અહીં કેટલીક પાંચ જોબની માહિતી આપી છે કે જે તમે તમારી અનુકૂળતા પ્રમાણે ફુલ ટાઇમ કે પાર્ટ ટાઇમ કરીને સારી કમાણી કરી શકો છો. તેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે ને ડિગ્રી વિના પણ કરીયર બનાવી શકાય છે તે સ્પષ્ટ થશે.

ભારતમાં અત્યારે ઘેરબેઠાં કામ આપતી સૌથી મોટી જોબ પ્રૂફ રીડરની છે. ઇન્ટરનેટનો પ્રભાવ વધ્યો અને સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું તેના કારણે ફ્રી લાન્સ રાઇટિંગ અને ફુલ ટાઇમ બ્લોગિંગ વધ્યું. પરિણામે પ્રૂફ રીડર્સ ની માંગ પણ વધી ગઇ છે. તમારી પાસે અંગ્રેજી ભાષાનું સારૂં જ્ઞાન હોય અને વાંચવામાં રસ પડતો હોય તો આ કામગીરી તમારા માટે શ્રેષ્ઠ છે. અંગ્રેજી ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પણ પ્રૂફ રીડિંગનું ભરપૂર કામ મળે છે. આ કામમાં ભાષા સાથે ગ્રેજ્યુએશન કર્યું હોય તો સારૂં પણ ચોક્કસ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. જે લોકો સતત વાંચતા હોય એ લોકોને આ કામ કંટાળાજનક નહી ંલાગે તેથી એ લોકો આ કામ સારી રીતે કરી શકે. પ્રૂફ રીડર તરીકે કામ કરનારને હિન્દી કે પ્રાદેશિક ભાષા આવડતી હોય તો તેના પ્રૂફ રીડિંગનું કામ પણ મળી શકે. આ કરીયરમાં વરસે એક લાખ રૂપિયાથી ૪ લાખ સુધીની કમાણી થઇ શકે છે.

આજ પ્રકારની બીજી કરીયર ટ્રાન્સલેટરની છે. તમને અંગ્રેજી તથા હિન્દી ઉપરાંત કોઇ પ્રાદેશિક ભાષા સારી આવડતી હોય તો તમે ઘેરબેઠાં ટ્રાન્સલેટર તરીકે કામ કરી શકો. અત્યારે દુનિયા નાની બની ગઇ છે તેથી એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલેશન એટલે કે અનુવાદની ડગલે ને પગલે જરૂરિયાત પડે છે. ભારતમાં અંગ્રેજી-હિન્દીમાંથી પ્રાદેશિક ભાષા અને પ્રાદેશિક ભાષામાંથી અંગ્રેજી-હિન્દી એમ બંને ભાષામાં ટ્રેાન્સલેટર્સની ડિમાન્ડ છે. આ પ્રકારની કામગીરીમાં તમારે વર્બલ ટ્રાન્સલેશન કરવાનું હોય છે. આ કામ કરવા ચોક્કસ શૈક્ષણક લાયકાત જરૂરી નથી. સતત વાચન કરતા હો અને ભાષા પર સારી પકડ હોય તો સારા ટ્રાન્સલેટર બની શકો. જેટલી વધારે ભાષા આવડે તેટલો વધારે ફાયદો થાય. અત્યારે સંખ્યાબંધ વેબસાઇટ્‌સ તમને આ કામ ઓફર કરે જ છે અને તમે તમને કામ આપનાર કોણ છે તે જાણ્યા વિના તગડી કમાણી કરી શકો છો. આ કામમાં લોકો વરસે ૧.૨૦ લાખથી ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે.

આ જ પ્રકારની જોબ વેબ ડેવલપર/ડિઝાઇનર/વેબ માર્કેટિંગની છે. દુનિયામાં વેબસાઇટ્‌સનો પ્રભાવ વધતો જાય છે તેની સાથે સાથે વેબ ડેવલપર, વેબ ડિઝાઇનર્સ અને વેબ માર્કેટીંગની માંગ પણ વધતી જાય છે. ડિઝાઇન, ફાઇન આટ્‌ર્સમાં ડિપ્લોમા ધરાવતી વ્યક્તિ આ કામ કરી શકે પણ તે ના હોય તો પણ ચાલે. થોડીક પ્રેક્ટિસ કરીને કોઇપણ વ્યક્તિ આ કામ કરી શકે. વેબસાઇટની ટેકનિકલ તથા ગ્રાફિકલ બાબતોની માહિતી હોવી જરૂરી છે. આ કામમાં તમે જેના માટે કામ કરતા હો તે ક્લાયન્ટનો સંતોષ મહત્ત્વનો હોય છે તેથી તમારે ટાર્ગેટ ઓડિયન્સ, બ્રાન્ડિંગ, પ્રોડક્ટ પોઝિશનિંગ, માર્કેટ, વેબ ટ્રાફિક વગેરેની સમજ કેળવવી પડે. આ ઉપરાંત તમારે સતત નવા ટ્રેન્ડથી પણ વાકેફ રહેવું પડે. આ જોબ ક્રિએટિવ છે તેથી જેનામાં ક્રિએટિવિટી હોય તે આ કામમાં વધારે સફળ થાય અને ઝડપી આગળ વધી શકે. આ કામમાં પણ વરસે ૧.૨૦ લાખ રૂપિયાથી ૬ લાખ સુધી કમાઇ શકાય છે.

અત્યારે ડિગ્રી વિનાની સૌથી હોટ કરીયર મેડિકલ ટ્રાન્સ્ક્રીપ્શનિસ્ટની છે. આ જોબ માટે માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર દુનિયામાં સૌથી વધારે માણસોની જરૂર પડે છે. મેડિકલ ટ્રાન્સ્ક્રીપ્શનિસ્ટે ડાક્ટર્સ તથા અન્ય મેડિકલ પ્રોફેશનલ્સના ઓડિયો કે વિડીયો રેકોર્ડિંગને આધારે રિપોર્ટ, મેમો તથા અન્ય ડોક્યુમેન્ટ બનાવવાના હોય છે. આ માટે તમારી પાસે સાંભળવાની તથા તેને આધારે ટાઇપ કરવાની ક્ષમતા જોઇએ. આ માટેના સર્ટિફિકેશન કોર્સ ચાલે છે તે કરી લેવાથી કામ સરળ થાય છે પણ તેને માટે ડિગ્રીની જરૂર નથી. જરૂર સમજની છે. આ પ્રકારનાં કામ વિદેશથી વધારે પ્રમાણમાં મળે છે તેથી તમારે વિદેશમાં બોલાતા અંગ્રેજી ઉચ્ચારોથી માહિતગાર થવું જરૂરી છે. આ કામમાં તમે માહેર થઇ જાઓ પછી તમને ધાર્યા રૂપિયા મળતા હોય છે. તમે ધારો તો મહિને બે લાખ રૂપિયા પણ કમાઇ શકો છો.

એ જ રીતે વિદેશમાં અલગ અલગ વિષયો ભણાવવા માટે ટ્યૂમરની ભારે માંગ છે. તમારી પાસે કોલેજની ડિગ્રી ના હોય પણ કોઇ પણ વિષયને ઊંડાણથી સમજવાની ક્ષમતા હોય, ધીરજ હોય અને ઇન્ટરનેટ સાથે કોમ્પ્યુટર હોય તો તમે ટ્યૂમર બની શકો. ટ્યૂમર તરીકે તમારે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનું તથા તેમનામાં કોર્સ વિશેની સમજ વધારવાનું કામ કરવાનું હોય છે. તમારે એક વર્ચ્યુઅલ ક્લાસરૂમ ઊભ કરવો પડે. તમારી પાસે કોમ્યુનિકેશનલ સ્કીલ, વિષ્યનું જ્ઞાન તથા મોટિવેટ કરવાની ક્ષમતા હોય તો તમે શ્રેષ્ઠ ટ્યૂમર બની શકો. ટ્યૂમર તરીકે કામ કરવા અત્યંત સજ્જતા જરૂરી છે અને વિદેશની સ્કૂલોમાં ભણાવાતા અભ્યાસક્રમોથી માહિતગાર થવું પડે પણ તમને ફાવટ આવી જાય પછી તમે ધારો તેટલી કમાણી કરી શકો. આ કમાણી પાછી ટેક્સ ફ્રી હોય છે એ અલગ ફાયદો છે. આ કામમાં વરસે ૭૨ હજાર રૂપિયાથી ૧૫ લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે.

આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ એ સિવાય બીજી ઘણી આ પ્રકારની કારકિર્દી છે. તમે શાંત ચિત્તે વિચારશો ને તમારી આસપાસ નજર નાંખશો તો પણ તમને સમજાશે કે આપણી આસપાસ જ ઘણી એવી કરીયર પડી છે કે જેના માટે કોઇ ડિગ્રીની જરૂર નથી. ડિગ્રી વિના પણ સરળતાથી એ કરીયર બનાવી શકાય છે.
ડિગ્રી વિના કરીયર નહીં બને એ ડર હોય તો હવે કાઢી નાંખજો ને એવી કરીયર વિશે વિચારજો કે જેમાં તમને મજા આવે ને સાથે સારું વળતર પણ મળે.

૩૮૭, વિભૂષા બંગ્લોઝ, હોમિયોપેથિ કોલેજ સામે, બોપલ, અમદાવાદ-૫૮.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે