કોંગ્રેસનું નવસર્જન નજીવી સરસાઈથી ગુજરાત કબજે કરતું ભાજપ

ગુજરાત વિધાનસભાની અત્યંત હાઈપ્રોફાઈલ ચૂંટણીના પરિણામો ઉપર સમગ્ર દેશની નજર કેન્દ્રીત થઈ હતી ત્યારે આજે જાહેર થયેલા પરિણામો ખુદ વડાપ્રધાન  મોદી સહિત ભાજપ માટે અત્યંત આંચકાજનક રહેવા પામ્યા હતા. બધા જ એકિઝટ પોલને ખોટા સાબિત કરતા પરિણામોમાં આજે ભલે ભાજપે બહુમતી મેળવી પરંતુ ગુજરાતમાં ખરેખર કોંગ્રેસનું નવસર્જન થયું હોય તેમ કાંટે કી ટક્કર આપી ૮૦થી વધુ બેઠકો મેળવવામાં સફળ થયેલ છે. જયારે ૧પ૦+ના લક્ષ્યાંક સાથે ખુદ વડાપ્રધાન મોદી સહિત રાષ્ટ્રીય તથા રાજયના દિગ્ગજ નેતાઓની ચૂંટણી પ્રચારમાં આખી ફોજ ભાજપ તરફથી ઉતારી દેવામાં આવી હોવા  છતાં ત્રણ ડીજીટમાં પણ બેઠકો મેળવવામાં પરસેવો પડી ગયો હતો. એટલે ટૂંકમાં કહીએ તો ગુજરાતમાં ભાજપની જીત છતાં હાર છે અને સામે પક્ષે કોંગ્રેસ સંખ્યાની દૃષ્ટિએ હાર્યું હોવા જીતી ગયું છે. વડાપ્રધાન મોદીના  હોમસ્ટેટ કે જે સમગ્ર દેશમાં વિકાસ મોડેલ મનાય છે તેના  પરિણામ ર૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે અત્યંત મહત્વના મનાતા હોઈ દેશભરની નજર અહીં મંડાઈ હતી. ત્યારે આજે જાહેર થયેલ પરિણામોએ ભાજપની સ્થિતિ પહેલા જેવી નથી રહ્યાનું ચિત્ર સ્પષ્ટ કરી દીધુ છે. આ પરિણામોની સાથે પાટીદાર અગ્રણી હાર્દિક પટેલ તથા કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ સહિતના ઉમેદવારોએ ઈવીએમની ગરબડીની આજે પણ ફરિયાદો કરી હતી અને કેટલાક સ્થળે ઈવીએમના સીલ તૂટેલા હોવા સહિતના મુદ્દાઓ ઉભા કરી મતગણતરી સ્થગિત કરવાની તેમજ રિકાઉન્ટીંગની માંગણીઓ પણ  કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના  પરિણામોએ રાજય જ નહીં સમગ્ર દેશના રાજકારણમાં ગરમાઓ લાવી દીધો છે. પરિણામોની ઠેર-ઠેર વ્યાપક  રીતે ચર્ચાઓ જારી થઈ જવા પામી હતી. એટલું જ નહીં ગુજરાતના પરિણામોએ શેરબજારને પણ હચમચાવી દીધું છે. રાજકીય પંડિતોના અને એકિઝટ પોલના ગણિતને ઊંધુ વાળતા પરિણામોમાં ગુજરાતમાં ભલે પુનરાવર્તન ન થયું અને ભગવા લહેરાઓ પરંતુ તેનો રંગ ફિક્કો રહી જવા પામ્યો હતો. ગુજરાતમાં રર વર્ષથી શાસનધુરા સંભાળી રહેલ અને વિકાસ વિકાસનું ગાણું ગાતા ભાજપને આંચકારૂપ પરિણામોમાં આટલા વર્ષોના ઈતિહાસમાં સૌથી ઓછી બેઠકો મળવા પામી છે. ભાજપના કોંગ્રેસ મુકત ગુજરાતના અને ૧પ૦+બેઠકો હાંસલ કરવાના નિર્ધારના ભૂક્કાં બોલી જવા પામ્યા છે. મોદી-મોદીના નારા લગાવતા ભાજપને અગાઉ ૧૦૦થી ઓછી બેઠકો કયારેય મળી નથી. છેલ્લા બે-એક વર્ષથી રાજયની સાથે દેશભરમાં ચાલી રહેલી મોદીની લહેર વચ્ચે પણ અગાઉ કરતા ઘણી ઓછી બેઠક મળતા સમગ્ર ભાજપમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે. ભાજપ જીતનું શાનદાર રીતે જશ્ન મનાવી પણ ન શકે તેવી સ્થિતિ તેના માટે સર્જાઈ છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ લિટમસ ટેસ્ટ સમાન આ ચૂંટણીના પરિણામોમાં બે આંકડાની બેઠકો સુધી ભાજપને સિમિત રહેવું પડયુ છે. જયારે સામે પક્ષે કોંગ્રેસને તો ફાયદો જ ફાયદો છે. ભલે તેને સ્પષ્ટ બહુમતી ન મળી કે સરકાર ના બનાવી શકી પરંતુ બેઠકો અને વોટ શેર્સમાં સારો એવો વધારો મેળવી શકી છે. કોંગ્રેસનો ર૦૧ર કરતા બે ટકાથી વધુનો વોટ શેર્સમાં મળ્યો છે તો ભાજપને માત્ર ૧ ટકા જ મતો વધુ મળ્યા છે. આમ ગુજરાતના પરિણામો ભાજપ માટે કોંગ્રેસ મુકત દેશના અભિયાન પર બ્રેક સમાન કહી શકાય. કારણ કે ભાજપની બેઠક ઘટી છે તો સામે કોંગ્રેસ ઘણું મજબૂત બન્યું છે. ર૦૧રની તુલનાએ કોંગ્રેસને ર૦થી વધુ બેઠકોનો ફાયદો થયો છે.
છેવટ સુધી દિલધડક ટક્કર થયા બાદ ભાજપે સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. મોડી સાંજ સુધી તમામ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૯૯ સીટ મેળવી  હતી. કોંગ્રેસને જોરદાર પ્રચાર કર્યો હોવા છતાં અને તમામ તાકાત લગાવી હોવા છતાં ૮૨(૭૭+૫) સીટથી સંતોષ માનવાની ફરજ પડી હતી. હાર્દિક ફેક્ટર, જુદા જુદા આંદોલનના કારણે સરકારથી કેટલાક ચોક્કસ સમુદાયની નારાજગી, જીએસટી અને નોટબંધીની અસર દેખાઇ ન હતી.  અન્યોને ફાળે ચાર સીટ ગઇ હતી. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલની હાર થઇ હતી. ભાજપે દક્ષિણ ગુજરાતમાં ૨૫ અને કોંગ્રેસે ૧૦ બેઠકો પર જીત મેળવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ બેઠકો પૈકી ભાજપે ૨૩ અને કોંગ્રેસને ૩૦ સીટ મળી છે. અન્યના ફાળે એક સીટ ગઇ છે. ઉત્તર ગુજરાતમાં બાજપે ૨૯ અને કોંગ્રેસને ૨૪ સીટ મળી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ૪૦ પૈકી ભાજપને ૨૨, કોંગ્રેસને ૧૬ અને અન્યને બે સીટો મળી છે. અમદાવાદની ચાર સિવાયની ૧ર સીટ પર ભાજપને જીત મળી હતી.

આજે સવારમાં  મતગણતરી શરૂ થયા બાદ ૧૮૨ બેઠક ઉપર મેદાનમાં રહેલા કુલ ૧૮૨૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો હતો.  વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ૧૪મી ડિસેમ્બરે ૯૩ બેઠકોનું મતદાન યોજાયું હતું. જેમાં ૬૮.૭૦ ટકા મતદાન થયું હતું. કુલ ૧.૭૪ લાખ  પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ પર હતા. ૯ની ડિસેમ્બરના દિવસે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૮૯ સીટો પર ૬૬.૭૫ ટકા મતદાન થયું હતું. આની સાથે જ ૯૭૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.

Comments

Popular posts from this blog

મીયાં-બીવી કી ઝીંદગી ખુશગવાર બનાને કે લિયે બીવી કો અપને શોહર કે ઘર મેં રેહતે હુવે ઇન બાતોં કા ઝરૂર ખ્યાલ રખના હોગા.

દુબઇની આ હોટેલ કે જે ખાસ છે છુટ્ટીઓ મનાવવા માટે...

દુનિયાની હોટેલ્સ કે જે સમુદ્રની વચ્ચે છે