આઈસીસી એવોર્ડમાં કોહલી છવાયોઃ વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર બન્યો

રમતના બધા ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય કપ્તાન વિરાટ કોહલીની આજે અહિંયા જાહેર આઈસીસીના વાર્ષિક એવોર્ડમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદગી થઈ જ્યારે તે સર્વશ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર પણ બન્યો. આ પુરસ્કારો માટે ર૧ સપ્ટેમ્બર ર૦૧૬થી ર૦૧૭ના અંત સુધીના પ્રદર્શન પર ધ્યાન આપવામાં આવ્યું. કોહલીએ આ દરમ્યાન ટેસ્ટ મેચોમાં આઠ સદીની મદદથી ૭૭.૮૦ની સરેરાશથી રર૦૩ રન બનાવ્યા. તેણે વન-ડેમાં સાત સદીથી ૮ર.૬૩ સરેરાશ સાથે ૧૮૧૮ રન બનાવ્યા. જ્યારે ટી-ર૦ મેચોમાં ૧પ૩ રન કર્યા. કોહલીના નેતૃત્વમાં ભારત આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પણ પહોંચ્યું. આવું સતત બીજીવાર છે જ્યારે કોઈ ભારતીય ખેલાડી વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર બન્યો છે. ગત વર્ષ અશ્વિનને આ સન્માન મળ્યું હતું. ઓસી કપ્તાન સ્ટીવ સ્મિથ ૧૬ મેચોમાં ૭૮.૧રની સરેરાશથી આઠ સદી અને પાંચ અર્ધસદીની સાથે ૧૮૭પ રન બનાવવા માટે વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર બન્યો. આઈસીસી દ્વારા જાહેર નિવેદનમાં કોહલીએ કહ્યું કે આઈસીસીના ર૦૧૭ના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર બની સર ગારફિલ્ડ સોમર્સ ટ્રોફી જીતવી અને સાથે જ આઈસીસીના વર્ષના સર્વશ્રેષ્ઠ વન-ડે ખેલાડી બનવું ઘણું મહત્ત્વ રાખે છે.
Comments
Post a Comment